RBI 2000 Note Updates : હવે ધીમે ધીમે 2,000 રૂપિયાની નોટો બદલવાનો સમય નજીક આવી રહ્યો છે. જો નોટો સમયસર બેંકમાં જમા અથવા બદલી ન કરવામાં આવે તો તે નોટો અમાન્ય ગણાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની 76 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. એટલે કે 24% નોટો હજુ પણ બજારમાં હાજર છે. જો આ નોટો સમયસર બદલવામાં નહીં આવે તો તેના માલિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 19 મેના રોજ, આરબીઆઈએ ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને જાહેર જનતાને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો કે તેઓ આ નોટો તેમના બેંક ખાતામાં જમા કરી શકે અથવા તેને બદલી શકે. બેંકો પાસેથી મળેલા ડેટા અનુસાર, 19 મેના રોજ જાહેરાત બાદ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 2,000ની નોટોનું કુલ મૂલ્ય 30 જૂન, 2023 સુધી રૂ. 2.72 લાખ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 30 જૂને કારોબાર બંધ થયો ત્યારે ચલણમાં 2,000 રૂપિયાની નોટ 0.84 લાખ કરોડ રૂપિયા હતી. હવે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોમાંથી 76 ટકા પરત આવી છે. મુખ્ય બેંકો પાસેથી એકત્રિત કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી કુલ રૂ. 2000 મૂલ્યની બેંકનોટમાંથી લગભગ 87 ટકા ડિપોઝીટ સ્વરૂપે છે અને બાકીની લગભગ 13 ટકા અન્ય મૂલ્યની બેંકનોટમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે 2000 રૂપિયાની નોટ બદલવાના રિઝર્વ બેંકના નિર્ણય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી.
આ પણ જુઓ : ગુજરાતમાં RTOની GJ-39 નવી સિરીઝ જાહેર, જાણો કયા જિલ્લાના લોકોની વાહન પ્લેટ પર લાગશે નવી સિરીઝ
પીઆઈએલમાં રિઝર્વ બેંક પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા
અરજીકર્તા રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી કે આરબીઆઈ પાસે 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની કોઈ સત્તા નથી અને માત્ર કેન્દ્ર સરકાર જ આ અંગે નિર્ણય લઈ શકે છે. તેમણે તેમની અરજીમાં કહ્યું હતું કે આરબીઆઈ પાસે કોઈપણ મૂલ્યની બેંક નોટોના વિમુદ્રીકરણને નિર્દેશિત કરવાની સ્વતંત્ર સત્તા નથી. આ સત્તા વર્ષ 1934ના આરબીઆઈ એક્ટની કલમ 24(2) હેઠળ કેન્દ્ર સરકાર પાસે જ છે. અરજીનો આરબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવી એ ‘મુદ્રા પ્રબંધન અભિયાન’નો એક ભાગ છે અને તે આર્થિક આયોજનની બાબત છે.
રિઝર્વ બેંકનો નિર્ણય 19 મેના રોજ આવ્યો હતો
આરબીઆઈએ 19 મેના રોજ ચલણમાંથી રૂ. 2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હાલની નોટો બેંક ખાતામાં જમા કરાવી શકાશે અથવા 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. આ પહેલા હાઈકોર્ટે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.